રોટલાં ટાણે ભરબજારે,
ભીડમાં અલગ તરી આવે,
એવી એક સ્ત્રી,
લોટ દળતી ઘંટીની દુકાને આવે છે !
એનાં માથે પ્લાસ્ટિક ને પૂંઠ્ઠા છે,
ને હાથમાં બીજી બે થેલીઓ,
એને જોઈ એવું લાગે,
જાણે આખુય શરીર મજૂરી પર છે !
ઘરે મીટ માંડીને બેસેલા છોકરાઓની ચિંતા,
ને બહુ બધો થાક એની આંખો ઉચ્ચારે છે,
એવામાં તે અજાણતાં,
દુકાનનાં પગથિયાં પાર કરી જાય છે !
ઘંટીવાળાને કહે,
“લો આ પૈસા ! મને બે કિલો લોટ આપો ને ?”
એની માંગણી જોઈ એવું લાગે,
જાણે લોટ માટે પૈસા નહીં ખોળો પાથરતી હોય !
એને પગથિયે ચડેલી જોઈને,
ઘંટીવાળો માણસાઈ ભૂલીને ,
ઉંચા સ્વરે તાડુકે,
‘છેટી મર ! આપુ છું લોટ !”
અકારણે મળેલા અપમાનથી,
એ સ્ત્રીનું ભીતર ઘંટીની સાથે ભમવાં લાગ્યું,
એને ઘંટીમાં લોટ નહીં,
પણ આયખું દળાતું હોય એવું લાગ્યું !