ભાઈ હું તો કવિ ….
તે જીવતા હતાં ત્યારે મેં તેમને જોયા જ નહોતા..
બધી લાગણીઓ છલકાઈ ગઈ તેમના ગંગામાં તરતાં મૃતદેહો જોઈને…
શાસકને ભાન્ડી દીધો … બિલ્લા અને રંગા કહી દીધો….
કહી દીધો રાજાને પણ મેં નાગો..
પણ એ ન જાણ્યું કે હું કોણ છું ?
બસ એટલું જ જાણ્યું કે
હું તો વાણી-સ્વાતંત્ર્ય ધરાવતો,
લોકશાહીને વરેલા વરવા દેશનો ,
પ્રબુદ્ધ કવિ- નાગરિક..…
લોકોએ મને બિરદાવ્યો ….
કોરોના કાળની .. રાજસત્તા પરિવર્તન કરવા સમર્થ કવિતાના લખનાર તરીકે…
મારા અહમ અને ઉન્માદી ફુગ્ગામાં ટૌકતે નું વાવાઝોડું પણ સમાઈ જાય તો પણ
હું નહીં ફૂટુ … હું નહીં તૂટુ ..
હું તો લુંટીશ અકર્મણ્ય – નપુંસક-વ્યંઢળ-બુધ્ધિજીવીઓની પ્રશંસા…
સરસ્વતીના મ્હોં માં ડૂચા ભર્યા. .
‘ને કલમને કરી કાળકા…
તટસ્થ કહેવાતાં પ્રચાર અને પ્રસાર માધ્યમો ને મારાં પોતીકાં બનાવી દીધાં…
વિરોધ એ તો શાસક સામે કરાય , કવિ સાથે નહીં…
કવિ એટલે રાત્રિનાં અંધકારમાં ચમકતો આગિયો…
ખૂબ ચમક્યો હું..સૂરજ સરીખો સૌને લાગ્યો…હો કે….
દેશભરની ભાષાઓએ મારાં શબ્દોને તેમનાં વાઘાઓ પહેરાવ્યાં….
.. કેટલાંક મારાં શુભેચ્છક -વિદેશમાં વસતાં કવિમિત્રોએ મને આંતરરાષ્ટ્રીય બનાવી દીધો..
વિદેશમાં પણ ભારતનો હાહાકાર ગજાવી દીધો…
કેટલાંક મિત્રોએ ચેતવ્યો પણ ખરો કે શાસક મારું જીવવું હરામ કરી દેશે..
પણ હું તો વાયરલ કવિતાનો વિરલ કવિ..
.ઓળખ્યોને મને… ??
મારી કવિતાનો રોજ પાઠ કરજો…
મારી કવિતાનાં મર્મને સૌ સમજે તે માટે સારાં વક્તાઓની વ્યાખ્યાનમાળાઓનુ આયોજન કરજો….
કોરોના વારે વારે નહીં આવે ..આવી અમર રચનાઓ પણ છાશવારે નહીં સર્જાય….
.. હું તો નશ્વર છું…
બાકી મારી કવિતા..તમે જાણો છો ને…?
અમે તો ભૈ કવિ……
- રજની રાવલ.