પારણામાં સિંચ્યા સૌમ્ય બોલ જે ગુજરાતી એ ભાષા મારી ગુજરાતી,
પેનથી પાટીમાં ઘૂંટી ઘૂંટી જે ઉભરાતી એ ભાષા મારી ગુજરાતી.
મીઠી મીઠી કાલી ઘેલી વાણી – અમરત પીધાં – ઉન્નત થઈ દુનિયા,
ભીની ભીની લાગણી સમજાતી એ ભાષા મારી ગુજરાતી.
સૂર લય તાલના આરોહ અવરોહમાં અમે જેને શણગારી છે,
ભાવ ભરેલા શબ્દોના તેજથી છલકાતી એ ભાષા મારી ગુજરાતી.
જ્યાં જ્યાં વસે છે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગૌરવવંત ગુજરાત,
વિશ્વધરા પર જે ગર્વથી ટટ્ટાર છાતી એ ભાષા મારી ગુજરાતી.
સર્જન,સંસ્કાર ને સંસ્કૃતિનું જતન કરતી – ધન્ય કરે ધરતી,
નવસર્જનથી જે છલકાતી છલકાતી એ ભાષા મારી ગુજરાતી.
-દિનેશ નાયક “અક્ષર”