વંટોળની મુરાદનો પડઘો પડ્યો નહીં;
ભીંતો વગરનાં ઘરને ઘસરકો પડ્યો નહીં.
વર્ષાની લાગવગ લઈ ટીપું પડ્યું હતું;
મોતી થવાની વાતમાં દરિયો પડ્યો નહીં.
ફૂલો અને પતંગિયા આવ્યા વધુ નજીક;
માળી વગરનાં બાગમાં ઝઘડો પડ્યો નહીં.
ઝાકળની લ્હાયમાં મેં સૂરજ અવગણ્યો, પછી
મારી કશીય વાતમાં તડકો પડ્યો નહીં.
આખું જગત હરાવીને હું મંચ પર ગયો;
ફોટા ઘણાં પડ્યાં છતાં હસતો પડ્યો નહીં.
જીવન સળંગ વાક્યની જાણે કિતાબ છે;
વાંચુ છું ક્યારનો હજી ફકરો પડ્યો નહીં.
ગૌરાંગ ઠાકર