છુપાવું યાદનો અવસર, મને ના આવડે એવું.
કહું હું આંખમાં કસ્તર, મને ના આવડે એવું.
મને તું પ્રશ્ન પૂછે ને તને ગમતો સદા એવો,
તરત આપી શકું ઉત્તર, મને ના આવડે એવું.
કદી લૂછી શકું તો એક આંસુ લૂછવું મારે,
રહે ક્યાં લોકમાં ઈશ્વર, મને ના આવડે એવું.
ઘરે તું આંગણામાં ચણ અને જળ-ઠીબ રાખે છે,
અહીં ગોફણ મહીં પથ્થર, મને ના આવડે એવું.
અહીં તો એક વત્તા એક ધારો તેટલા થાયે,
બધાનું છે અલગ ભણતર, મને ના આવડે એવું.
વિશાલ જોષી “સ્નેહ”