મમ્મી આવી હોય છે.
કેટકેટલું પોતાની સાથે
એ લાવી હોય છે.
મમ્મી સાથે વ્હાલમાં ક્યાંયે
હોય નહીં શરતો લાગૂ.
Condition apply વગરનું
વ્હાલ છે મમ્મીનું સાદૂ
મારી હોય કે હોય તમારી
મમ્મી આવી હોય છે.
કામની વચ્ચે ધ્યાન રાખતી
આપણા સહુનું એ કેવું
ભૂલી ગયાં મોટાં થઇ આપણે
યાદ રાખી લેવા જેવું
આપણે એને કાયમ જોઇ
મીઠું મીઠું મલકાતી
કદીક કોઇ વાતે એની
આંખ હશે ભીની થાતી .
મમ્મી આપણી પાસેથી
ના રાખતી કોઇ અપેક્ષા અહીં
અજાણતાં ય થાય નહીં એ
મમ્મી કેરી ઉપેક્ષા અહીં
જેની આંગળી ઝાલી
પા પા પગલી માંડી હોય છે
મમ્મી આવી હોય છે.
સાયકલ,સ્કૂટર,કાર ચલાવી
ટ્યૂશનમાં મૂકવા આવે
ઓફિસ જાય ને ત્યાંથી પાછી
અમને એ લેવા આવે.
પપ્પા સાથે પાર્ટી માં જઇ
મોજથી એ મસ્તી કરતી
કદીક ઘરમાં પણ એ સહુને
હેત થકી એ નોતરતી.
મમ્મી એક ને કેટકેટલાં રુપ
રોજ ધરતી રહેતી
હશે થાકતી પણ એ અમને
કોઇને ના એ કૈં કહેતી.
જેણે આપણી જીંદગી બસ
સુખથી છલકાવી હોય છે
મમ્મી આવી હોય છે.
નાનપણે મમ્મીની વાતો
ઘણી ય તે ન્હોતી ગમતી
તેલ નાંખીને ચોટલો ગૂંથે ,
બ્હેનાં હમેશા રડતી.
બૂટ કાઢીને આવવું ઘરમાં
એવો હતો એનો આદેશ
શક્ય હોય તો સહુએ સાથે
જમવા બેસવાનું હમેશ
જમતી વખતે સહુએ સાથે
રાજી થઇને જમવાનું
છાંડવાનું નહીં થાળીમાં
બસ જોઇએ એટલું લેવાનું
સૂતાં પહેલાં રોજ પ્રાર્થના
પણ ગવરાવી હોય છે
મમ્મી આવી હોય છે.
બંધબારણું ખોલી મમ્મી
ડોકિયું રુમમાં જરુર કરે
અમને લાગતું privacy માં એ
trace passing કેમ કરે ?
તરવા જાતાં પાણી કેરી
બીક લાગતી’તી મનમાં
તો ય મમ્મીએ મોકલ્યા શીખવા ,
કામ આવ્યું એ જીવનમાં
મમ્મી કૈં કોઇ સંત નહોતી,
સીધુંસાદું જીવતી’તી
નવું ન આવે ત્યાં લગ મમ્મી
જૂનું જાળવી સીવતી’તી
જીવનમાં ઉપયોગી વાતો
કેવી સમજાવી હોય છે !
મમ્મી આવી હોય છે.
ગમતું નથી જે વર્તન એ પણ
ભીની આંખે સ્હેતી એ
સંતાનોના સુખને માટે
મૂંગી માળા કરતી એ
આખી રાતના ઉજાગરા કરી
જેણે ફેરવ્યો માથે હાથ
પપ્પાથી છાનું રાખીને
સંતાનોને દીધો સાથ
મમ્મીની આશીષમાં સહુના
સુખની ચાવી હોય છે.
મમ્મી આવી હોય છે.
સીધીસાદી મમ્મી છોને
લાગતી તમને જૂનવાણી
એના હૈયે સદાય વહેતી
સહુનાં સુખની સરવાણી
એ મમ્મીનું દિલ દૂભાય નહીં
એને કદી ન વાગે ઠેસ
રોતાં હૈયે , હસતાં હોઠે
કહેતી “ ખમ્મા “ મમ્મી, હમેશ
કેટકેટલી ભૂલ આપણી
એણે ભૂલાવી હોય છે.
મમ્મી આવી હોય છે.
– તુષાર શુક્લ