‘માછલી’ની આંખ વીંધાયા પછીની વાત છે,
‘દ્રોપદી’ના ભાગ્યની વ્હેંચાઈ એક-એક રાત છે !!
‘ભીખ’ માગી જીતવું, કે ‘દાન’ આપી ઝુઝવું ?
‘યુદ્ધ અર્જુન જીતશે’ એ “કર્ણની ખેરાત” છે !!
કોણ કોનો સાથ આપે અંતિમે એ જાણવું,
‘શ્વાનપામે સ્વર્ગને’ જો, ‘ધર્મની સોગાત’ છે !!
કોઈ પામે ‘તાજ’ને, ને કોઇ ચાટે ‘ધૂળ’ને,
‘કૈંક ગાંધારી ને કુંતા’ના ‘જિગર પર ઘાત’ છે !!
ધરમ સાથે ચાલવું, કે ન્યાયને પંથે રહું ?
બેઉ બાજુ ભાત્રુઓથી ‘ભીષ્મ’ને આઘાત છે !!
પ્રેમ હો કે યુદ્ધ હો, ત્યાં એબધું ઉચિત હશે,
‘પાંડવોની સાંજ છે’ તો ‘કૌરવોની રાત’ છે !!
હું પગે તારી તરફ છું, મસ્તકે એની તરફ,
મુછમાં હસ્યા કરું છું, ‘ક્રૃષ્ણ’ મારી જાત છે !!
~ અશ્વિન ચંદારાણા