રાત જશેને સવાર આવશે , માની લઉ હું ?
વરસ નવું દમદાર આવશે , માની લઉ હું ?
સૂરજને હું સવારમાં હાઈઝેક કરું તો
પગ ધોવા અંધાર આવશે માની લઉં હું.
તેલ ઉકળતું નાખું એના દરમાં જઈ તો
ફટ્ટ ફણિધર બહાર આવશે માની લઉં હું ?
ધર્મ સનાતન જોખમમાં મેલાય તો તરત જ
કૃષ્ણ તું લઈ અવતાર આવશે માની લઉં હું ?
ધારો કે હું પર થઈ જાઉં સુખ દુઃખથી તો
તું કરવા ઉદ્ધાર આવશે માની લઉં હું ?
રમેશ ચૌહાણ