લાયકાત કરતાં વધુ જે મેળવ્યું હોય તેની માફી માંગુ છું
વિસાત કરતાંય જે વધુ દેખાડ્યું હોય તેની માફી માંગુ છું
સન્માન કેટલાં અને કેવાંનો હું કેટલો ને કેમ છું હક્કદાર?
પ્રદાન કરતાં વધુ બતાવ્યું,દેખાયું હોય તેની માફી માંગુ છે
ક્યાંક,ક્યારેક,કોઈકને લાગ્યો હોઉં હું મહામાનવ તોય પણ
માનવત્વ મારું ના સમજાવી શકાયું હોય તેની માફી માંગુ છું
ગોવર્ધન ઉપાડવામાં ક્યાં એકલો હતો તે બધો જશ લઈ લઉં
ટચલીનું વામનત્વ ના બતાવી શકાયું હોય તેની માફી માંગુ છું
છે સજ્જનોની લઘુમતી માટે જ તો હું ગણાયો છું અપવાદ
‘આ કર્તવ્ય છે’ એમ ના સમજાવ્યું હોય તેની માફી માંગુ છું
છું હું ય રાગ,દ્વેષ,કામ,ક્રોધ,મોહ,મત્સર,અહંથી છલોછલ
વાક્ચાતુર્યથી આ છૂપાવી શકાયું હોય તેની માફી માંગુ છું
કરી ના શક્યો હોઉં જે કરી શકાયું હોત જ, સમતા હોત તો
વહાલા દવલાથી ના બચાવી શકાયું હોય તેની માફી માંગુ છું
મારાં માલિકી ભાવે ના લઈ શક્યાં કોઈ દીવડાં સૂરજનું રૂપ
બ્રહ્માડ કલ્યાણ ના કરી,કરાવી શકાયું હોય તેની માફી માંગુ છું
-મિત્તલ ખેતાણી