વેન્ટિલેટર આખરે અનપ્લગ કર્યા,
છેલ્લા ઉપાય પણ નિષ્ફળ ગયા.
મારા શરીરને મૃત જાહેર કરી.
હોસ્પિટલ બેડ પર હવે હું સુન્ન પડી.
પરિવારના બધા મારી આસપાસ ઉભા હતા,
લાચાર, દુઃખી અને રડતા હતા.
મારી લાશને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો,
પરંતુ મને નિર્જીવ જોઈ, એમને અફસોસ થયો.
એબલના ગરમ સ્પર્શનો એહસાસ છુટી ગયો,
જે મને ખુબ જ ગમતો હતો.
શરીર સાથે હૃદય પણ ઠંડુ પડી ગયું,
જાનું, આપણો મિલાપ ફક્ત અહીં સુધીનું હતું.
બે કલાક પછી,
જ્યારે બધી વિધિ પુરી થઈ,
મારા પતિ, એબલે મારી છેલ્લી ઇચ્છા રાખી,
અને મારી આંખો કોઈને દાન કરી.
મને ઘરે પાછી લાવવામાં આવી,
અને સફેદ સાડીમાં વિટાડી.
વહેતા આંસુ વચ્ચે એબલે કહ્યું,
“શું નસીબમાં આ દૃશ્ય હતું જોવાનું?!?”
મારા પુત્રો તેમના પિતાને ભેટી પડ્યા,
બધા મળીને ખૂબ રડ્યા.
“હવે જિંદગી એકલા કાઢવી પડશે,
હવે મમ્મી વગર જીવવું પડશે.”
મેં મારા પ્રિયજનોને રડતા જોયા,
તેમની સાથે મારા આંસુ પણ છલકાયા.
હવે હું એક અસમર્થ આત્મા બની ગઈ હતી,
હવે હું તેમનું આધાર બની શકું તેમ નહોતી.
હું ડરતી રહી, ચિંતિત થઈ, રડતી રહી.
મારા વિના તેઓ કેવી રીતે જીવશે?
હું જાણું છું કે હું અનિવાર્ય નથી,
પણ મારી ગેરહાજરીની તેમને આદત નથી.
ફોન કર્યા, સગાસંબંધીઓને જાણ કરી,
મિત્રોએ પણ ઝડપની ગતિ દેખાડી.
થોડીવારમાં ઘર ભરાઈ ગયું,
રુદનના ભણકારાથી ગુંજી ઉઠ્યું.
આલાપથી ઘરની દીવાલો પણ ધ્રુજી ગઈ,
ચારેબાજુ ઉદાસી છવાઈ ગઈ.
એક વાતની સ્પષ્ટતા જરૂર થઈ,
ખરા અને ખોટાની પરખ મળી ગઈ.
“સારું થયું જતી રહી, છુટકારો મળ્યો!”
ખૂણામાંથી મારા કાને આ અવાજ પડ્યો,
હું ચોંકી, શું આ ખરેખર મારી બહેનપણી હતી!?
કેમ હું તેને પહેલા ઓળખી ન શકી?
“જવાની ઉંમર તો મારી હતી, ન કે તારી, દીકરી!”
પપ્પાએ મમ્મીના ખભા પર રડી, ફરિયાદ કરી.
“એબલ અને છોકરાઓ કેવી રીતે રહેશે?
કેમ કરી આ લાબું જીવન કાઢશે?”
હતાશાથી આખું ઘર ભરાઈ ગયું હતું,
આજુબાજુ બધું શોકથી ઘેરાયેલું હતું.
હું મારા જ વિચારોમાં ખોવાયેલી રહી,
ઘણા પ્રશ્નોએ મને મૂંઝવી નાખી હતી.
શું હું સારી પત્ની, સારી માતા સાબિત થઈ?
શું મેં મારી બધી ફરજો નિભાવી ખરી?
જીવન મારી સાથે છેતરપિંડી કરી ગઈ,
અને સમય પૂર્વ મને ઉપાડી ગઈ!
મેં એબલને અમારા રૂમમાં જતા જોયા,
થોડા સમય માટે એકલા રહેવાની ઇચ્છા.
હું તેની પાછળ ગઈ, તેણે દરવાજો બંધ કર્યો,
મારા ફોટાને વળગીને ખૂબ રડ્યો.
“ભગવાન અતિશય નિર્દય નીકળ્યો!!!
મારી સૌથી પ્રિય વ્યક્તિને છીનવી ગયો.
તું ક્યાં ચાલી ગઈ મારી વ્હાલી?
હ્યયુ ભરાઈ ગયું ને જીવન થઈ ગયું ખાલી!”
“તને કેટલું બધું કહેવાનું રહી ગયું બાકી,
તારા વગર કેમ નીકળશે આ પહાડ જેવી જિંદગી?
હું એટલો મજબૂત નથી જેટલો તું સમજતી હતી,
છોકરાઓને કેમ કરી સંભાળીશ મારી લાડકી?”
એબલ હૃદય ખાલી કરતો રહ્યો,
મને તેને દિલાસો આપવો હતો.
પરંતુ હવે તે મારી પહોંચની બહાર હતું,
હવે મારી ચારે ઓર અંધકાર હતું.
છોકરાઓ દાદા-દાદીને ભેટી પડ્યા,
કોણ કોને આપતું હતું સાંત્વના?
આ કહેવું મુશ્કેલ હતું.
કોને ખબર હતી આ દિવસ જોશું!
બધી વિધિઓ સંભાળી લીધા પછી પણ,
એબલ મારી પાસેથી ન હટયા એક ક્ષણ
“પ્લીઝ, થોડીકવાર હજી એને રહેવા દો,
છેલ્લી વાર એની પાસે બેસી રડવા દો!”
“બસ ફક્ત આજે જ એને જોઈ શકીએ છે,
કાલથી જીવન એના વિના ચલાવવું પડશે.
આજે તેની નજીક બેસવા દો,
વીતેલા દિવસોને યાદ કરવા દો.”
આ પહેલા ક્યારેય નહોતી ખબર મને,
મારો પરિવાર આટલો પ્રેમ કરે છે મને,
આખરે એબલના અંદરનો પિતા જાગી ઉઠ્યો,
અને છોકરાઓ માટે હિંમત વાળો બન્યો.
“ચિંતા ન કરો બેટા,
હવે હું જ તમારી માતા અને પિતા.
કદાચ ક્યારેક ઓછો પડીશ,
પણ સંપૂર્ણ પ્રયત્ન કરતો રહીશ.”
જ્યારે કબ્રસ્તાનમાં મારી શબપેટી નીચે ઉતારી,
છેવટે મારા મનને મળી શાંતિ.
એબલે પોતાના આંસુ લૂછતાં કહ્યું,
“જાન, તને હમેશા યાદ કરીશું!”
“તારા સાથનો આભાસ સદૈવ રહેશે પ્રિય,
તારા સ્પર્શની તૃષ્ણા કયારેય નહીં મટે.
ઈચ્છું છું કે તારા હોવાનો આભાસ હમેશા રહે,
જેથી દિલ ધડકતું અને શ્વાસ ચાલતી રહે.”
“તું ચિંતા મુક્ત જા, હું બધું જોઈ લઈશ,
તારી બધી અધૂરી ઈચ્છા પૂરી કરીશ.
જલ્દી તારા સપના સત્ય બનાવીશ,
તો જ તને મોઢું બતાવી શકીશ.”
પછી પૃથ્વી મારા શરીરને ગળી ગઈ.
પણ આત્મા કાયમ માટે પરિવાર પાસે રહી ગઈ.
પ્રભુને પ્રાર્થના કરીશ, મારા પ્રિયજનોને આશીર્વાદ આપે,
તેમને હિંમત, અને એકતા સાથે સફળતા આપે.
શમીમ મર્ચન્ટ