મારો અહમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો,
સાલો અધમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
મેં દૂધ જાતે પીવડાવીને ઉછેર્યો છે છતાં,
જો બે શરમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
પંપાળીને રાખ્યો હતો અંતિમ નિશાની સમજીને,
દિલનો જખમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
સાચી હકીકત સમજી લીધી હોત તો સારું થતું,
ખોટો ભરમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
મેં આંખ આડા કાન કીધા એનું આ પરિણામ છે,
હું, ખુદ સ્વયમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
તાજું નમક ભભરાવ્યું હોતે તો ફરક પડતો કદાચ,
વાસી મલમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
‘સાગર’ થવાનો હું અહમ કરતો હતો ગત જન્મમાં,
જન્મો જનમ મારી જ સામે ફેણ કાઢીને ઊભો.
રાકેશ સગર ‘સાગર’