વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ.
ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.
ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ.
જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ.
નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ,
થશે બધુંય પાધરું, યથેચ્છસિ તથા કુરુ.
ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ.
ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ.
ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ તથા કુરુ,
થવાનું એય પાંસરું, યથેચ્છસિ તથા કુરુ.
સખત છતાંય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ,
પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ.
સુદૂર છો અરુપરુ, યથેચ્છસિ તથા કુરુ,
સ્વયં થશે હરુભરુ, યથેચ્છસિ તથા કુરુ.
– રાજેન્દ્ર શુક્લ