વાંસળી જાદુગર બની ગઈ છે,
ગોપીઓ બે ખબર બની ગઈ છે.
કૃષ્ણ તું પણ હવે કમળ થઈ જા,
ગોપીઓ સૌ ભ્રમર બની ગઈ છે.
પ્રેમ નિર્દોષ હોય એ ટકશે,
રાસ લીલા અમર બની ગઈ છે.
એક પળ કૃષ્ણ થાય ના અળગો,
ગોપી આઠો પ્રહર બની ગઈ છે.
બંસીધર બંસી તું બની જાને,
ગોપી પ્યાસા અધર બની ગઈ છે.
દિવ્યતાની અસર હતી મન પર,
સાવ ભોળી નજર બની ગઈ છે.
કૃષ્ણ વહેતા વહાલનો “સાગર”
ગોપીઓ પણ લહર બની ગઈ છે.
~ રાકેશ સગર.