બિપરજોય (વાવાઝોડું)
તને પેટમાં શું આવે છે ચૂંક ?
વાંસળીને બદલે આ દરિયાની માલીપા આવડી કાં મારે તું ફૂંક ?
તને પેટમાં શું આવે છે ચૂંક ?
બોલતા‘યે કોઈને ના આવડે જરાય એવું કેવું પાડ્યું છે તારું નામ ?
આગળ ને પાછળ સૌ ફેર ફેર ફુદરડી,
ધંધે લાગી ગ્યું આખ્ખું ગામ !
પકડીને કાન કોઈ ટીચર પણ બોલે નહીં ? “બહુ જ થયું ચાલ હવે રૂક”
તને પેટમાં શું આવે છે ચૂંક ?
વ્હાલભરી એકા’દિ મારે તું ફૂંક અને જીવન ધબ્બકતું થઈ જાય છે
આ રીતે જ્યારે તું મારે છે ફૂંક ત્યારે ધબકારા ચૂકી જવાય છે !
આવ હવે લ્હેરખી બનીને બેસ ડાળીએ ને સઘળી આ માથાકૂટ મૂક
તને પેટમાં શું આવે છે ચૂંક ?
કૃષ્ણ દવે