વરુણ, વાયુની સવારી સાથે આવે, બની વાવાઝોડું,
આગમન માનવમાત્રને વળી હંફાવે, બની વાવાઝોડું.
અણસાર આફતનો અનાયાસે મનમાં ઘર કરી જતો,
સ્મરણ સહજ સર્વેશ્વરનું જ કરાવે, બની વાવાઝોડું.
જુગલબંધી વાયુને વરસાદની ઘરને જેલ બનાવનારાં,
અમંગળ વિચારો માનસપટલે લાવે, બની વાવાઝોડું.
ગુમાવે કોઈ ઘર તો કોઈ સ્વજન પ્રાણથીય પ્યારા જે,
આતંક અવની પર આવીને ફેલાવે, બની વાવાઝોડું.
કઠોરકૃપા પરમેશની અસહાયતા, દીનતાને પ્રગટાવતી,
ચોતરફી નુકશાનના સમાચાર લાવે, બની વાવાઝોડું
~ ચૈતન્ય જોશી