શું છે ત્યાં આજે,
જ્યાં વૃક્ષ હતું
એક વાર ?
અવકાશ શૂન્ય ?
હવા પારદર્શક ?
ના.
ચાલ્યો સીધો જાઉં.
ઓ ભટકાયો – એવું મનને
ભાસે કાંઈ સઘન, માર્ગમાં.
પેલું આવે શરગતિએ કો વિહંગ….
એ ય તે
ખમચાયું ક્ષણ શૂન્યવચાળે
ડાળે જાણે બેઠું ?
બેઠું-ના-બેઠું જાણે
ને વૃક્ષ-આકૃતિ અંકિત કરતું ગયું શૂન્યમાં.
વિશ્વ કોઈ મુજ,
નીડ બનીને
ઝૂલ્યા કરશે હવે ચિરંતન
એ આકૃતિની લઘુ હથેળીમાં.
– ઉમાશંકર જોશી