સપનાઓ બધાં આળસ,અભિમાનની ચિતામાં સડે છે
શુભચિંતકો પણ શુભ ન જ થાય તેની ચિંતામાં પડે છે
સંપત્તિ હશે તો વારસ જ ને સંસ્કાર હશે તો જ સંતાન
તેવી ને તેટલી સમજણ હવે ક્યાં માતા પિતામાં મળે છે
‘કરિષ્યે વચનં તવ’ ભલેને કહી દેતો અર્જુન કૃષ્ણને તોય
‘યથેચ્છસિ તથા કુરુ’ એ જવાબ છેલ્લે ગીતામાં મળે છે
રડવું હોય ત્યારે હાથવગો ખોળો કે માથું રાખવાં ખભો
હવે ક્યાં જીવતરનો થાક ઉતારે એવાં વિસામા મળે છે
અમસ્તું જ મૂલ્ય એનું ‘અમૂલ્ય’ નથી બન્યું ઇતિહાસમાં
બ્રમ્હાંડ ધણી રામમાં પણ ન હોયને તે સીતામાં મળે છે
-મિત્તલ ખેતાણી