શબ્દનાં ચહેરા ઉપર આહ્લાદ છે,
મૌનનો મોઘમ સ્તરે સંવાદ છે.
થનગને છે અક્ષરો કાગળ ઉપર,
છે, કલમમાં એટલો ઉન્માદ છે.
કલ્પનાની પાંખ પર ઊડે છે મન,
સ્વપ્નનો ચિતાર છે, આસ્વાદ છે.
શબ્દ, કાગળ ને કલમનાં શહેરમાં,
સંપદા મારી બધી આબાદ છે.
અતલસી ઓઢે છે વસ્ત્રો અર્થનાં,
આ ગઝલમાં બ્રહ્મ સરખો નાદ છે.