સમય આવે એ પહેલાં, બધું સમેટી લેવું જોઈએ,
માનસન્માન ઘટે એ પહેલા,જાતે હટી જવું જોઈએ.
કેટલાય નિર્ણયો કલેજા કઠણ રાખી ને કરવા પડે છે !
બારોબાર ઉસેટાઇ જાય તે પહેલા ઉસેટી લેવું જોઈએ.
ક્યાં સુધી જવાબદારી ની ઝંઝાળ લઈ ને ફર્યા કરશો ?
અફસોસ થાય તે પહેલાં સઘળું આટોપી લેવું જોઈએ.
આ સત્તા,સંપતિ સફળતા નથી રહેવાના સદા સાથસાથ,
હાથમાંથી છીનવાઈ જાય તે પહેલાં લપેટી લેવું જોઈએ.
લોહીના સબંધો લોહી ચૂસી ન લે, એ સાચવજો, જરા,
વિશ્વાસે વહાણ ડૂબી જાય તે પહેલા વિટી લેવુ જોઈએ.
જીવન એક નાટક છે, પાત્ર ને પકડી કેમ બેસી રહેવાય ?
ઉત્તમ એ છે,રોલ પતે એટલે રંગમંચ છોડી દેવું જોઈએ.
“મિત્ર”રામનામ તો આપણા લલાટે લખ્યું હશે તો લેવાશે !
મૃત્યુ આવે તે પહેલાં મોહમાયા માંથી છૂટી જવું જોઈએ.
વિનોદ સોલંકી “મિત્ર”