સવાલો તીર થઈ ખૂંચે છે ! મારો જીવ લઈ લેશે !
બધા તારા વિશે પૂછે છે ! મારો જીવ લઈ લેશે !
સ્મરણ મારાં સગડ સૂંઘે છે ! મારો જીવ લઈ લેશે !
એ સ્નીફર ડોગ થઈ છૂટે છે ! મારો જીવ લઈ લેશે !
દિવસને રાત લોહીમાં રટણ ચાલુ છે તારું ! ને-
તું મારું નામ પણ ભૂલે છે ! મારો જીવ લઈ લેશે !
તું ગઈ,તો સાથે oxygen બધો ચાલ્યો ગયો કે શું !!
તડોતડ શ્વાસ સૌ તૂટે છે ! મારો જીવ લઈ લેશે !
નશાની ટેવ છે એને સમય બંધાણી પાક્કો છે !
મને ગાંજો ગણી ફૂંકે છે ! મારો જીવ લઈ લેશે !
બધી તૈયારી સાથે હું ગયો’તો મારવા જેને !
મને ઈશ્વર ગણી પૂજે છે ! મારો જીવ લઈ લેશે !
સમજ પર પગ મુકીને ગાળિયો મારા ગળે નાખી !
પ્રણય મારો ઘણે ઊંચે છે ! મારો જીવ લઈ લેશે !
~ ડૉ.મનોજ જોશી ‘મન’