સહુ પોતાના ટાપુ ઉપર સાવ એકલા શ્વાસ વીતાવે, નવાઈ છે ને!
દિવસ નામનો છિદ્ર વાળો ફુગ્ગો સૌએ રોજ ફૂલાવે, નવાઈ છે ને!
કૂણો કોઈ છોડ ઊગે તો લીલું લીલું તાક્યા કરતી આંખો ક્યાં છે ?
દાદા જેવો આંબો કાપી ખુરશી એની લોક બનાવે, નવાઈ છે ને !
મંદિર બંધાતી વેળા દાન કરે એવું કે લોકો નમન કરે,
રોજ પછી મંદિરમાં જઈને તકતીનાં દર્શન કરી આવે, નવાઈ છે ને !
બે ઘડી એ જાય બગીચે, સળવળ હાથે ઘાસનાં તરણાં તોડી નાખે,
ઘેર આવી તુલસી ક્યારે પાણી રેડી હાથ નમાવે, નવાઈ છે ને!
ગરીબ કોઈ શાયર સામે રૂપિયાનું પરચુરણ વેરી ગઝલ લખાવે,
જે પોતાનાં હોય નહીં એ અશ્રુ ખુદને નામ છપાવે, નવાઈ છે ને!!!!!!
મૂકેશ જોષી