સૂરજ ઢાંકી ફરતું વાદળ.
ઝાકળમાં ઝરમરતું વાદળ.
લીલી લીલી લીલપ ઓઢી,
પર્ણો થઈ ફરફરતું વાદળ.
રંગે રમતું આટાપાટા,
સાતે રંગ નિખરતું વાદળ.
વાછટના મોતીની માળા,
સજતું ને સંવરતું વાદળ.
મલ્હારી ટહુકાઓ કરવા,
કોયલને કરગરતું વાદળ.
વર્ષાનાં વરસે છે ફૂલો,
સંગે સંગ પમરતું વાદળ.
વીજલડીના ચમકારાથી
થર થર થર થરથરતું વાદળ.
પૂર્ણિમા ભટ્ટ