સેંકડો પ્રશ્નો દિલે ખટક્યા કરે છે,
કૈક ડૂમો થઈ ગળે અટક્યા કરે છે..
કેમ મારું દિલ કદી શંકર થયું નહિ?
ઝેર તો દરરોજ એ ગટક્યા કરે છે!
એષણા પાળી ‘તી સુખથી બેસવાની,
એ જ કીટક થઈ હવે ચટક્યા કરે છે!
સ્વપ્ન જૂનાં માંડ થોડાં થાય પૂરાં,
ત્યાં નવાં, તલવાર થઈ લટક્યાં કરે છે!
સાધનાથી મેં સતત મનને ઘડ્યું છે,
તોય એ શાને બધે ભટક્યા કરે છે?
કેમ ઈચ્છાઓ બરડ થઈ આટલી!
એ નજીવી વાતમાં બટક્યાં કરે છે..
ખૂબ ‘ધીરજ’થી જીવનભર કેળવ્યું છે,
તે છતાં શાને મગજ ફટક્યા કરે છે?
ડૉ. ધીરજ એસ. બલદાણિયા