હરિ! તને શું સ્મરીએ?
આપણ જળમાં જળ સમ રહીએ;
વણ બોલ્યે, વણ સાંભળ્યે, પણ મબલખ વાતો કરીએ!
કોણે કોનાં દર્શન કરવાં, કોનું ધરવું ધ્યાન?
ચાલ ને એવું રહીએ, જેવું લીલાશ સાથે પાન!
હું પાણી, તું દરિયો, એમાં શું બૂડીએ, શું તરીએ?
હરિ! તને શું સ્મરીએ…
પાંખોને પીછાંથી ગણવી કેમ કરીને જૂદી?
હું થી તું અળગો છે એવી વાત કહીંથી સૂઝી?
કોને જોડું હાથ, ચરણમાં કોનાં જઈને પડીએ?
હરિ! તને શું સ્મરીએ…
~ ધ્રુવ ભટ્ટ