આપણી વચ્ચે હવે નક્કર થતી આ લાગણીનું શું કરીશું?
સૂર્યના ચિક્કાર પડતા તાપ વચ્ચે એક ટુકડો બર્ફ લઈને ક્યાં ફરીશું?
ને, હવાના આ સુકોમળ અંગ પર હું શબ્દની પીંછી લઈ તવ નામ દોરું ને
હવાનું અંગ આખું રણઝણે
કોક, મનની પાર, પેલે પાર તારા નામની નદીઓ ભરે ખાલી કરે ને
તરફડેલી માછલી જેવું મળે મનને ખૂણે
હોય ના રેતી, કશે ના છીપ કે ના શંખ ના મોતી અરે ના જળ : કહે
એવા કોઈ દરિયા મહીં ક્યાંથી તરીશું?
… આપણી વચ્ચે.
દૂર પેલા આભમાં બેઠેલ તારાઓ લગોલગ હોય તોયે થાય શંકા કે
કદીયે હાથ બેના સ્પર્શને અડતા હશે?
પારકા આકાશમાંના ચંદ્રમાની કુંડળી સાથે કદીયે આપણા
જન્માક્ષરો મળતા હશે?
રાતના અંધાર વચ્ચે આ પ્રણય-ઝબકારનો કોઈ લિસોટો પામવાને
આભનો ટેકો મૂકી ધરતી ઉપર ક્યારે ખરીશું?
… આપણી વચ્ચે.
– મુકેશ જોશી
Continue Reading