કાગળની આ નાવ લઈને કરવો છે ભવ પાર કે બંધુ માર હલેસાં.
વેદ,સંહિતા, ગ્રંથ, પુરાણો એક જ સૌનો સાર કે બંધુ માર હલેસાં.
છે ધબકારા, શ્વાસ અવિરત, સ્પર્શ હજુ વર્તાય છતાં બે હાથ અચેતન
એજ ઘડી સર્જાય વમળ ને ફેંકે એ પડકાર કે બંધુ માર હલેસાં.
સુચવશે નક્ષત્ર દિશા, છો હોય તમસ ચોપાસ; અવિરત આગળ વધીએ.
ભીતર સૂરજ ઝળહળશે તો ઓગળશે અંધાર કે બંધુ માર હલેસાં.
લક્ષ્ય સરીખા હોય પડાવો, લાંગરવાનું છોડ, નિકળ આ ભ્રમણાંમાંથી.
શુષ્ક હવા છે, વ્હેણ વિરોધી રેતીનો નહિ પાર કે બંધુ માર હલેસાં.
જીવન છે આ પાર અને ઓ પાર જીવનનો સાર ને વચ્ચે ધસમસતું જળ;
હોય કસોટી લાખ, મળ્યો છે કેવટનો અવતાર કે બંધુ માર હલેસાં.
~ ભાર્ગવ ઠાકર
Related