એક અક્ષર બોલતાં ખીલી જવાશે ,
‘મા’ કહું તો એકદમ મ્હેકી જવાશે.
ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજો –
સાર ગીતાનો તરત સમજી જવાશે.
ત્યાં જ કાશી, ત્યાં જ કાબા, ત્યાંજ વૈકુંઠ ;
એક ખોળામાં બધું પામી જવાશે.
ગોદડીમાં સાડલા જો હોય માના,
સોડ લેતાં સ્હેજમાં ઊંઘી જવાશે.
ઠેસ વાગે સાંઇઠ વર્ષે જો અચાનક-
તોય જોજો ‘ઓઈ મા !’ બોલી જવાશે.
– ભારત ભટ્ટ “પવન”