ઈશ્વર તારો આ જણ તું સાચવી લેજે
ઈશ્વર તારો આ જણ તું સાચવી લેજે
મારી નબળી ક્ષણ તું સાચવી લેજે
મને તે જ પરણાવ્યો છે ભાગ્ય સાથે
તે હોમેલાં જવતલ તું સાચવી લેજે
દોરીની ખુમારી મે રાખી છે અકબંધ
સળગ્યા પછી વળ તું સાચવી લેજે
માળી અને કાંટા સાચવી લેશે ફૂલોને
કાદવો વચ્ચેનું કમળ તું સાચવી લેજે
ગીતાજ્ઞાનનો કરીશ પુરુષાર્થ હું પ્રચંડ
સહન ન થાય એ ફળ તું સાચવી લેજે
જીવતાં યાદ આવશે તો કરીશ ભક્તિ
છેલ્લાં શ્વાસે ગંગાજળ તું સાચવી લેજે
-મિત્તલ ખેતાણી