જે હતું જેવું હતું એવું નગર બસ જોઇએ
દ્વાર ખૂલ્લા,”આવો” કહેતું એવું ઘર બસ જોઇએ
જે હતું જેવું હતું ઘોંઘાટિયું , ધૂમાડિયું
એ જ સઘળાથી એ પાછું તરબતર બસ જોઇએ
શાંત નહીં નીરવ હતું એ , મૌન નહીં મૂંગૂં હતું
એ ફરીથી એ જ શબ્દોથી સભર બસ જેઇએ
માસ્ક મોજાં ક્યાં અમારો કાયમી સ્વભાવ છે ?
મન મુકી મળતાં નડે ના એવો ડર બસ જોઇએ
સોશ્યલ ડિસ્ટન્સને એ સાચવે તો કૈ રીતે ?
અહી કટીંગમાં બાદશાહી, કિટલી પર બસ જોઇએ
કોઇને વાંધો પડે છો પાનગલ્લાનો ભલે
ડાયરેક્ટ પિચકારી કેરો એ હુનર બસ જોઇએ
ડર હશે તો ડરની સાથે જીવતાં શીખી જશું
લ્યે,મળ્યા બે અમદાવાદી , ખુશખબર બસ જોઇએ
– તુષાર શુક્લ