જીવવા માટે તને મળવું જરુરી થઇ ગયું
ને બધા દુ:ખમાં વળી ભળવું જરૂરી થઇ ગયું.
પેટની આ ભૂખને પણ શાંત કાયમ પાડવા,
રોજ ઘરથી દૂર જઈ રળવું જરૂરી થઇ ગયું.
એક બીજાને સતત દેખાડવા નીચા અહીં,
લાખ ભૂલો કાઢી બસ બળવું જરૂરી થઇ ગયું
મેં તને જે પણ વચન આપ્યા’તા તે સૌ પાળવા,
લાખ મારી ના છતાં વળવું જરૂરી થઇ ગયું.
કોઈ પણ સંબંધમાં ભીનાશ થોડી રાખવા,
ખોટું બોલી ખુદને પણ છળવુ જરૂરી થઈ ગયું.
-અંજના ગોસ્વામી.. અંજુમ આનંદ