હરિયાને
ક્યાં તું જુએ છે જે છે જોવાનું હરિયા?
મારે તો કાયમનું છે રોવાનું હરિયા!
મૂકી માથાકૂટ મને મેળવવાની મેં!
શાને મેળવવું જે છે ખોવાનું હરિયા?
પાંપણના તોરણ પર લટકેલાં મોતીને
છેદ કર્યા પણ રહી ગયું પ્રોવાનું હરિયા!
ફાટેલું પ્હેરણ કાઢી, પાછું પહેરું છું!
રોજ રોજ ઉઠી જઇને ધોવાનું હરિયા!
હું તો સાચ્ચેસાચ ઉભો છું તારી સામે!
દે પ્રમાણ મુજને તારા હોવાનું હરિયા!
– હરિહર શુક્લ