સપના ને વાસ્તવની વચ્ચે લાગે જોજન દૂરી,
અંતર ઓછું કરવા માટે રોજ કરું મજદૂરી.
રોજ સવારે ટિક ટિક સાથે માંડું નવલી રેસ,
ગોળ ગોળ ફરવામાં વાગે કંઈ કેટલી ઠેસ,
પાછો ત્યાંનો ત્યાં જ પહોંચતો સફર ના થાતી પૂરી
અંતર ઓછું કરવા માટે રોજ કરું મજદૂરી…
માંડ એક જ્યાં સાંધો, થાતાં તેર ટુકરડા કિસ્સા
અડધો મહિનો વિત્યો ત્યાં તો થઈ ગ્યા ખાલી ખિસ્સા
બાકી ગાડું કેમ ચાલતું હું જાણું કે હરિ
અંતર ઓછું કરવા માટે રોજ કરું મજદૂરી…
તડકા-છાંયા આવે-જાયે , જીવતરનો છે ભાગ
પરસેવાથી સિંચિ-સિંચિ ખીલતો રાખો બાગ
ઈચ્છાના ઘોડાપૂર ખાળી જપવું સબર-સબૂરી..
અંતર ઓછું કરવા માટે રોજ કરું મજદૂરી…
-શબનમ