લંકા છૂટી અધર્મ થી,
ને જગત છુટ્યું એ દાનવો થી,
ના ઇચ્છેલું બઘાને મળી ગયું,
ને ઘન્ય પામી ગયાં રામ રાઘવથી,
ના યાદ રાખી મને કોઇએ, ને બસ બદનામ થઇ ગઇ હું મંથરા.
ફક્ત રાજા બનીને જ રહ્યા હોત રામ,
પણ રાવણનાં વિનાશ થી પુજાયા શ્રીરામ,
વનવાસમાં પોતાના પરાક્રમો થી,
જગ આખા નાં બની ગયા ભગવાન.
મારા કપટથી એ બન્યા ભગવાન, ને બદનામ થઇ ગઇ હું મંથરા.
યોજના હતી એ દેવોની, દાનવ માત્ર ના વિનાશની,
વિષ્ણુએ રૂપ સાક્ષાત લીઘું, ને વાર્તા રચી સર્વનાશ ની,
જગતની આ પાપમુક્તિ માં હું પણ એટલી જ આભારી છું,
પરંતુ જશ આપવાનાં બદલે માત્ર, બદનામ થઇ ગઇ હું મંથરા.
ન્હોતા અજાણ રાવણનાં પિતા આ વિનાશ માટે,
કે વિષ્ણુ એ અવતાર લીઘો છે મારા પુત્રના નાશ માટે,
બ્રહ્માં, શિવ, ઇન્દ્ર અને શ્રીરામ પોતે,
માહીતગાર હતા આ પુર્વયોજીત સંહાર માટે,
કલંકિત કરી એવી કે મારૂ નામ કોઈ રાખતુ નહી આ દુનીયામાં,
બસ નિમિત્ત માત્ર જ બનેલી તો પણ, બદનામ થઇ ગઇ હું મંથરા.
~ કમલ શાહ