જીત્યો પ્રથમ સ્વભાવ પછી કામ થઇ ગયું,
છોડ્યા બધા લગાવ પછી કામ થઇ ગયું.
બહુ બોલકા થયા તો સમાચાર થઇ ગયા,
છૂપાવ્યા હાવભાવ પછી કામ થઇ ગયું.
લઇ શ્રાપ ગત જનમનાં ફરી અવતરી તરસ,
ખોદાવી એક વાવ પછી કામ થઇ ગયું.
ઉભા રહી જતે તો વિસામા ઘણાં હતાં,
ઠેકી ગયા પડાવ પછી કામ થઇ ગયું.
આ તખ્ત જીતવામાં હણાયું નથી કશું,
માર્યા સતત અભાવ પછી કામ થઇ ગયું.
ત્યાં દેર પણ નથી અને અંધેર પણ નથી,
પહોંચાડી ફક્ત રાવ પછી કામ થઇ ગયું.
જ્યાં નમ્રતા ચલણમાં નથી એ જગા ઉપર,
છાંટ્યો જરી પ્રભાવ પછી કામ થઇ ગયું.
—પારુલ ખખ્ખર