પુષ્પો પ્રણયના લઈ અમે ઉંબર સુધી ગયા,
સંવાદી સ્પંદનો ભરી ભીતર સુધી ગયા.
સમજી ગયા‘તા પ્રશ્ન એ, ને અવગણી રહ્યાં;
ઉત્તર ન દેવા મૌનનાં હુન્નર સુધી ગયાં.
શાપિત આ લાગણીઓ, અહલ્યા બની શકે,
લઈ આશ સ્પર્શની, થવા પથ્થર સુધી ગયા.
મહેફિલમાં શબ્દ જો જરા લથડી પડે કદી,
પહેરી નકાબ અર્થનો, અક્ષર સુધી ગયા.
પારસ છે સ્પર્શ એમનો, પતઝડ કરે વસંત,
કરવાને સ્પર્શ શ્વાસ લો આખર સુધી ગયાં.
જાણું છું કે અધૂરી હકીકત છો તે છતાં,
જોવાને છળતાં સ્વપ્નને નીંદર સુધી ગયા.
એ પ્રાણ છે ગઝલનાં કહે છે સદા કલમ,
સંદર્ભ એનો શોધવા ઈશ્વર સુધી ગયા.
પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’