થોડું લીલું થોડું પીળું, પાનખરનું પાન હું,
આજ ખરું કે કાલ ખરું,પાનખરનું પાન હું.
યૌવનની દિવાલ ઉપર ધૂળ ચડી ગઈ ઘડપણની,
યાદોની જ્યાં આવનજાવન,એક સૂનું મકાન હું,
ક્યાં તોફાન હવે સાગરમાં,ક્યાં લડવાની હામ હવે,
હાલકડોલક નાવડીનું તૂટેલું સુકાન હું.
લાખો આવ્યા,લાખ જશે,સૌની ચપટી રાખ થશે,
તેમ છતાં લોકો તો જાણે,શકટ નિચે શ્વાન હું.
એક દિ’મારી સાથે રમતાં,પંખીડાં ને ફૂલ હતાં,
જાન હતો હું ઉપવનની,છું આજ ભલે બેજાન હું
જયસુખ પારેખ ‘સુમન’