અમે…
ઝાકળભીનું સપનું તો કોઈ પાળો જી,
ભેજ સરીખું ભીતરમાં કોઈ ભાળો જી !
દરિયો છું તો ભીતર રત્નો ખાસ્સાં રળિયાં
ઊંડે ઊતરી કોઈ ઢોલિયો ઢાળો જી !
જીવ બચાડો બાળ્યા કરશો ક્યાં લગ સ્નેહી;
ભેદ,ખેદ,પ્રસ્વેદ બહુ મરમાળો જી !
હમણાં છીએ, પહેલાં ન્હોતાં એવું કંઈ ના–
હજું સમય છે મજાક-મસ્તીવાળો જી !
હળવે હૈયે હાથ પિછાનો પરદ્વાપરનો–
ભર ઉનાળે ખીલ્યો છે ગરમાળો જી !
મત્સ્યો જેવું ખોળ્યાં ના કર મારી અંદર–
જીવ નથી તું માછીમાર.. ભમરાળો જી !
સપનાંનું સિંદૂરી વાસ્તવ હમણાં ફળશે–
કલ્પવૃક્ષની નીરખ- પરખ તું ડાળો જી !
-ગુણવંત ઉપાધ્યાય