પ્રાણે હણ્યા છે પ્રાણ ,ભલા કોણ માનશે !
વિશ્વાસે ડુબ્યુ વહાણ ભલા કોણ માનશે !
હાથે કરીને હું જ તણાઈ ડૂબી ગયો;
પાણીમાં નહોતું તાણ ભલા કોણ માનશે !
એની હરેક વાતે મળે મોક્ષ જીવને;
શબ્દો છે રામ બાણ, ભલા કોણ માનશે !
સાબિતી કેમ આપવી તારા સિતમ તણી;
દિલ છે લોહીલુહાણ ભલા કોણ માનશે !
પાપી લઈ રહ્યા છે પ્રભુજીના પારખાં;
સોનુ ચઢ્યું સરાણ ભલા કોણ માનશે !
નિશ દિન જલે છે આગ જુદાઈની દિલ મહીઁ;
મનડું થયું મસાણ , ભલા કોણ માનશે !
‘નાઝિર’ની સાથે સાથે રહ્યા એ જીવન પર્યઁત;
’નાઝિર’ હતો અજાણ, ભલા કોણ માનશે !
~ નાઝિર દેખૈયા