કૃષ્ણ! તેં અવતાર લઈને સેંકડો કાર્યો કર્યાં,
એ બધાં ગણવા જતાં, સૌ આંકડા ખૂટી પડ્યા..
ગૂઢ છે તારું કવન, તો છે સરળ પણ કેટલું!
સ્ત્રી-પુરુષ, આબાલ-વૃદ્ધ ઉપર તેં કામણ પાથર્યાં..
મેઘલી રાતે, પ્રભુ! તેં જન્મ લીધો જેલમાં,
લઈ ચરણરજ, નીર પણ યમુના નદીનાં ઓસર્યાં..
કંસ સૌને મોકલ્યા કરતો તને હણવા, છતાં,
પૂતના માસી સહિત, તેં રાક્ષસો જબરાં હણ્યાં!
ગામના યુવાનને પૌષ્ટિક જમણ કાયમ મળે,
– એ વિચારી, તેં લૂંટ્યાં ‘તાં માટલાં માખણ ભર્યાં..
‘સ્નાન ખુલ્લામાં ન કરવું, રાક્ષસોનાં રાજમાં’
– એ શીખવવા ગોપીઓનાં, તેં ભીનાં વસ્ત્રો હર્યાં..
‘કાલિયો’ અમૃત-જળમાં ઝેર કાળું ઓકતો,
છે જગતને જાણ – એના હાલ અંતે શું થયા!
રાસ રાધા સાથેનો એ, કેટલો અદ્ભૂત હશે!
ભક્ત નરસિંહ, બાવડું બળવા છતાં પણ ક્યાં હલ્યા!
ઈન્દ્રનું અભિમાન, ગોવર્ધન-પૂજાથી તેં હણ્યું,
લાકડી જેણે અડાડી એને શિર પર ઊંચક્યાં..
ના શક્યો ખેંચી દુઃશાસન દ્રૌપદીનાં ચીરને,
ઋણ ચૂકવવા તેં, સખીની સાડીનાં તંતુ ગણ્યાં..
યુદ્ધના મેદાનમાં, ગીતા કહી કૌન્તેયને,
ત્યારથી તારા રૂપે, સૌને જગદ્દગુરુ મળ્યા..
પૂર્ણ પુરુષોત્તમ! થયો ‘તો પાર્થનો તું સારથિ,
તેથી કુરુક્ષેત્રમાં સૌ પાંડવો વિજયી બન્યા..
ટાળવા મોટું ‘મહાભારત’, બન્યો ‘તો દૂત તું,
પણ, ‘ધીરજ’થી કોઈએ તારાં વચન ક્યાં સાંભળ્યાં!
ડૉ. ધીરજ એસ. બલદાણિયા