કયાં જઈને રે’વું મારે?, મૂંઝાયો છું હું,
મંદિર-મસ્જિદની ભીડે અટવાયો છું હું.
આમ જૂઓ તો કયાં કંઈ ખોવાયો છું હું,
સંતાકૂકડીનો ખેલ છે, સંતાયો છું હું.
અમથો મંદિરમાં પત્થર થઈ પૂજાતો ના,
પ્રથમ તીણા ટાંકણેથી ટોચાયો છું હું.
મંદિર એ સંગ્રહાલય નહિ તો બીજું શું?
જયાં માત્ર એક પત્થર રૂપે સચવાયો છું હું.
નવ નવ અવતારો લીધા મેં જગમાં તો પણ,
કોઈ કોઈને જ સંપૂર્ણ સમજાયો છું હું.
સપ્તાહની બેઠકને પણ કયાં સમજાયો છું,
ત્યારથી તો માત્ર ને માત્ર વંચાયો છું હું.
એથી દસમો અવતાર કોરાણે મૂક્યો છે,
તીરના એ ઘા માંથી ક્યાં રુઝાયો છું હું.
સ્વમાન સુદામાનું તો મારાથી ઊંચું,
એથી હાથોહાથ દેતા ખંચાયો છું હું.
ડો. હિતેશ પટેલ ‘હિત’