ભોંય ઉપર એક સુરજ પાથર્યો લિપસ્ટિક વડે
એ રીતે અંધારને પણ છેતર્યો લિપસ્ટિક વડે
આયના પર એક કિસ્સો ચીતર્યો લિપસ્ટિક વડે
વિસ્તરીને બહાર પણ એ પાંગર્યો લિપસ્ટિક વડે
જડ રિવાજોના ગગનચુંબી બનેલા દુર્ગમાં
સાવ છેલ્લો કાંગરો આજે ખર્યો લિપસ્ટિક વડે
હાથ રાતા, ગાલ રાતા,આંખ ને ઉચ્છવાસ પણ
રોજ એવો એક અવસર સાંભર્યો લિપસ્ટિક વડે
જે રીતે વેરાનમાં મ્હોરી ઉઠે છે ગુલમહોર
એમ બરછટ ગાલને નમણો કર્યો લિપસ્ટિક વડે
આંખ સામે જે મિલાવે આંખ, એવા શબ્દને
જન્મતા પહેલા જ કાયમ આંતર્યો લિપસ્ટિક વડે
શુ હશે ? અગવડ-અવેજી-કે કોઈ સંકેત છે!
ઉંબરા પર કોઈએ સ્વસ્તિક ભર્યો લિપસ્ટિક વડે
લિપિ ઓઝા