મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે ?
ઘેરાતી રાત તને યાદ છે ?
સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં
ને થાતું પ્રભાત મને યાદ છે ?
થાતું પ્રભાત તને યાદ છે ?
ખરબચડું લોહી થતું રુંવાટીદાર
એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાંનો પડતો વરસાદ
ગામ આખ્ખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક
ખોવાતી જાત મને યાદ છે ?
ખોવાતી જાત તને યાદ છે ?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સુસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના
આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા
દિવસોની વાત મને યાદ છે ?
એવા દિવસોની વાત તને યાદ છે ?
~ રમેશ પારેખ