લાવ તારા ટેરવા,એમાં મારી હસ્તરેખાને સાથે જોડી દઉં,
પછી જોઇએ કે,મારી હથેળીમાં ભાગ્ય-રેખા કેમ ફરે છે?
લાવ તારું એંકાત,એમાં તને મનગમતી ક્ષણોને મઢી દઉ,
પછી જોઇએ કે,એકાંતમાં કાંતની કેવી સરભરા કરે છે?
લાવ તારી આંખો,એમાં મારી એક તસ્વીર ઉતારી દઉ
પછી જોઇએ કે,એમાં તું કેવા રંગની રંગોળી પુરે છે?
લાવ તારા કુંવારા હોઠ,એમાં કંઇક ગુલાબને રોપી દઉ
પછી જોઇએ કે,વંસત પોતાનો મિજાજ કેવો વેરે છે
લાવ તારું સ્મિત,એમાં ઝીણા અનારના દાણા વેરી દઉ
પછી જોઇએ કે,તારા સ્મિતમાં કેવા ફુલડાઓ ઝરે છે
લાવ તારું હ્રદય,એમાં ધડકનમાં મારો તાલ મુકી દઉં,
પછી જોઇએ કે, ઉછળતા અરમાનો કેવાં રંગો ભરે છે?
લાવ તારું લલાટ,એમાં મારા ભાગ્યના ભાવ ચોડી દઉ
પછી જોઇએ કે,લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરે છે?
નરેશ કે.ડૉડીયા