પ્રભુ સાધ્યા છે શબ્દો પૂજવાની રાહ જોઉં છું
પ્રભુ સાધ્યા છે શબ્દો પૂજવાની રાહ જોઉં છું
રચી રચના સુમન શી મ્હેકવાની રાહ જોઉં છું.
હરિવર શબ્દ કંડાર્યા, ભરીને ભાવ અંતરના,
તમે જાલો જો કર ગઝલો થવાની રાહ જોઉં છું.
કલમ છે આપની આવો, બિરાજો ટેરવે ઈશ્વર,
રુડા અવસર બનીને નાચવાની રાહ જોઉં છું.
ભવોભવની છે ઉપવાસી સતત આ આંખડી પરભુ,
જરી દેખી ઝલક ને મીંચવાની રાહ જોઉં છું.
કલમ, કાગળમાં કંડારું છબિ , રટણા તમારી બસ ,
હરિ આસન લગાવી બેસવાની રાહ જોઉં છું.
અને પુરુષાર્થ પણ એવો કરું કિસ્મત ઝૂકી જાએ,
વિધાતા ના કશું હું ભાખવાની રાહ જોઉં છું.
છે સંસારી ઘણી ફરજો ને ભગવો સાદ પણ કરતો
બનીને ‘મસ્ત’ ભગવન આવવાની રાહ જોઉં છું.
– હેમા ઠક્કર “મસ્ત”