રોદણાંથી પર થવાની રીત શીખી જાય છે
જાત પર નિર્ભર થવાની રીત શીખી જાય છે
એક બે વાર જ પડે, એકાદ બે ઈજા પછી
બાળકો પગભર થવાની રીત શીખી જાય છે
કેટલો લાંબો સમય નુકસાનમાં જીવી શકે?
માણસો સરભર થવાની રીત શીખી જાય છે
દે નહીં ખપ્પરમાં હોમાવા કદી પરિવારને
માણસો છપ્પર થવાની રીત શીખી જાય છે
છે નમક પ્રસ્વેદનું, મોતી સમું ચમક્યું, જુઓ!
વેદના હુન્નર થવાની રીત શીખી જાય છે
જો સમય પણ નીતનવા પ્રશ્નો બની પ્રગટ્યા કરે
આદમી ઉત્તર થવાની રીત શીખી જાય છે
કોઈ દુ:ખથી મૂઢ ક્યાં બનતું! કૃપા એ ગૂઢ છે!
જે ટકે, બહેતર થવાની રીત શીખી જાય છે
વિષ વિષમ સંજોગનું જે ભોળપણથી પી શકે
આખરે શંકર થવાની રીત શીખી જાય છે
રઈશ મનીઆર