તમે એકવાર આવો ને શ્યામ…
તમે એકવાર આવો ને શ્યામ,
અહીં ખોવાયું ગોકુળિયું ગામ !
ફૂલને પૂછું હું ભમરાને પૂછું,
આંસુ આવે મારા પાલવથી લૂંછું.
કઈ કેડીએ અટક્યા ઘનશ્યામ !
0તમે..
યમુના છે કાળી- કાળા વનમાળી,
રાસ રમંતા તમે દેતા તા તાળી.
શાને ખેટું કરો છો પ્રભુ આમ !
0તમે…
દાણ ન માગે ન માખણ લુંટાવે ,
વનરા તે વનમાં ન કોઈ સતાવે.
ગોરસ મટુકીના વધ્યા દામ!
0તમે…
મોરલી સૂની ને પનઘટ છે સૂના,
આપણાં સંબંધો યુગો થી જૂના.
રહે ક્યાંથી મુજમાં હવે હામ!
0તમે…
ઝંખું બિંબ થઈ સુધબુધ તો ગઈ,
રાધાની વેદના મૂંગી ને સૂની થઈ.
મારે પીવાં ક્યાં પ્રેમના જામ ?
0તમે…
ચાંદો સળગ્યો ને સૂરજ સળગ્યો છે,
કયો તે મારગ તમને વળગ્યો છે?
કહો ‘કાન્ત, ને રહેવું કયે ઠામ ?
0તમે..
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’