તણખલાં ભેગા કરી પંખી સમું
એક ઘર બનાવ્યું છે..
બહારથી સાવ નાનું પણ
અંદરથી મોટું રાખ્યું છે..
માળિયું, ઓટલો ને ઉંબરો તો,
ગામડે જ રહી ગયાં.!!
પાણીયારાની જગ્યાએ
એક R.O. લગાવ્યું છે.!!
તમે જ કહો આ ચોથા માળે
ફળિયું ક્યાંથી લાવવું.??!!
એટલે લિવિંગ રૂમમાં,
ફળિયાનું એક ચિત્ર ટાંગ્યું છે.!!
એમાં ઓંશરી નથી પણ
મારો આશરો બની જશે,
રસોડાનું કિચન ને વાળુનું નામ
અહીં ડિનર રાખ્યું છે.
બાલ્કની સરસ છે આવી તો
ગામડે પણ નોતી હો.!!
હિંડોળાની જગ્યાએ ત્યાં
બિન બેગ મુકાવ્યું છે.!!
હવે જિંદગી આખી જશે
સોરી ને થેંક્યું કહેવામાં.!!
જય શ્રી કૃષ્ણ ની જગ્યાએ મેં,
ગુડ મોર્નિંગ રાખ્યું છે.
કેમ કરી છૂટે વળગણ.??
બાળપણની ગલીઓનું.!!!
અંતર મહીં મારું ગામડું
મેં અડીખમ જીવાડ્યું છે.!!
રાજેશ ડાભી